કેન્સરના દર્દીઓ માટે રાહત: હવે કલાકોની કીમોથેરાપીના બદલે માત્ર 7 મિનિટમાં અપાશે ઇન્જેક્શન
Cancer Treatment: કેન્સરની સારવાર લઈ રહેલા દર્દીઓ માટે મેડિકલ ક્ષેત્રે એક મોટી ક્રાંતિ આવી છે. સ્વિસ ફાર્મા દિગ્ગજ રોશ (Roche) કંપનીએ ભારતમાં ફેફસાના કેન્સર (Lung Cancer) ની સારવાર માટે ‘Tecentriq’ નું સબક્યુટેનિયસ (ચામડીની નીચે આપી શકાય તેવું) વર્ઝન લોન્ચ કર્યું છે. અત્યાર સુધી આ સારવાર નસ દ્વારા (IV) આપવામાં આવતી હતી જેમાં કલાકોનો સમય જતો હતો, પરંતુ હવે આ નવી પદ્ધતિથી માત્ર 7 મિનિટમાં ટ્રીટમેન્ટ પૂર્ણ કરી શકાશે.
કલાકોનું કામ મિનિટોમાં: સમયની 80% બચત
ભારતના ડ્રગ રેગ્યુલેટરી ઓથોરિટી (CDSCO) એ ફેફસાના કેન્સરની સારવાર માટે આ દવાને મંજૂરી આપી દીધી છે. અત્યાર સુધી દર્દીઓએ હોસ્પિટલમાં કલાકો સુધી બેસી રહેવું પડતું હતું, જે હવે માત્ર 7 મિનિટમાં પતી જશે. આનાથી દર્દીઓનો હોસ્પિટલમાં રહેવાનો સમય 80 ટકા જેટલો ઘટી જશે. આ ઈમ્યુનોથેરાપી સારવાર હોવાથી તે કીમોથેરાપી કરતા વધુ સુરક્ષિત છે અને તેની આડઅસર પણ ઓછી છે.
મોંઘી પણ અસરકારક સારવાર
આ નવી દવાની એક વાયલ (Vial) ની કિંમત અંદાજે 4 લાખ રૂપિયા છે. સામાન્ય રીતે દર્દીએ સારવાર દરમિયાન 6 સાયકલ લેવી પડે છે, જોકે રોગની ગંભીરતા મુજબ આમાં ફેરફાર થઈ શકે છે. કંપની આમાં રાહત આપવા માટે પેશન્ટ એક્સેસ પ્રોગ્રામ પણ ચલાવી રહી છે. આ દવા શરીરની રોગપ્રતિકારક શક્તિને કેન્સરના કોષો સામે લડવા માટે તૈયાર કરે છે, જે દર્દીના આયુષ્ય અને જીવનની ગુણવત્તામાં સુધારો કરે છે.
બિન-ધૂમ્રપાન કરનારાઓમાં પણ વધ્યું કેન્સરનું જોખમ
નિષ્ણાતોના મતે, ભારતમાં હવે માત્ર ધૂમ્રપાન કરનારા જ નહીં, પણ વાયુ પ્રદૂષણને કારણે ધૂમ્રપાન ન કરનારા લોકોમાં પણ ફેફસાનું કેન્સર ઝડપથી વધી રહ્યું છે. GLOBOCAN 2022 મુજબ, ભારતમાં ફેફસાના કેન્સરના 81,000 થી વધુ કેસ નોંધાયા હતા અને 75,000 થી વધુ લોકોના મોત થયા હતા. ભારતમાં સ્તન અને મોઢાના કેન્સર પછી ફેફસાનું કેન્સર ચોથા ક્રમે છે.
હોસ્પિટલો પર ઘટશે બોજ
ઓન્કોલોજિસ્ટ્સનું માનવું છે કે આ નવી ટેકનોલોજીથી હોસ્પિટલોમાં બેડની અછત ઘટશે અને વધુ દર્દીઓને ઝડપથી સારવાર આપી શકાશે. દર્દીઓને કલાકો સુધી દાખલ રહેવાની જરૂર નહીં પડે, જેનાથી ગ્રામીણ વિસ્તારોમાંથી આવતા લોકો માટે કેન્સરની સારવાર વધુ વ્યવહારુ અને સરળ બનશે.
આ પણ વાંચોઃ Mercury Transit 2026: 15 મેથી બુધ ગ્રહ બદલશે ચાલ, આ 4 રાશિના જાતકોએ રહેવું પડશે સાવધાન
આ પણ વાંચોઃ Cricket: શ્રીલંકા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો