પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલાનો કહેર, સૈન્ય કેમ્પમાં વિસ્ફોટથી 15 સૈનિકોના મોત
Pakistanના ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાં ફરી એકવાર આતંકવાદી હુમલાએ હાહાકાર મચાવ્યો છે. બાજૌર વિસ્તારમાં આવેલા પાકિસ્તાની સૈન્ય કેમ્પ પર થયેલા આત્મઘાતી હુમલામાં ઓછામાં ઓછા 15 સૈનિકોના મોત થયા હોવાનું પ્રાથમિક અહેવાલોમાં સામે આવ્યું છે. આ હુમલાને સુનિયોજિત આતંકી કાવતરું માનવામાં આવી રહ્યું છે.
માહિતી મુજબ આતંકીઓએ પહેલા સૈન્ય કેમ્પના એક મહત્વપૂર્ણ વિસ્તારમાં જોરદાર વિસ્ફોટ કર્યો હતો. વિસ્ફોટ બાદ સર્જાયેલી અફરાતફરીનો લાભ લઈ ભારે હથિયારોથી સજ્જ આતંકવાદીઓ કેમ્પની અંદર ઘૂસી ગયા હતા. ત્યારબાદ સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે લાંબા સમય સુધી અથડામણ ચાલી હતી.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
આ હુમલાની જવાબદારી Tehrik-i-Taliban Pakistanએ સ્વીકારી છે. સંગઠને જાહેર કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે હુમલો તેમની ‘સ્પેશિયલ ઇસ્તશહાદી ફોર્સ’ દ્વારા કરવામાં આવ્યો હતો.
બાજૌર વિસ્તાર લાંબા સમયથી આતંકવાદી પ્રવૃત્તિઓ માટે સંવેદનશીલ માનવામાં આવે છે. હુમલા બાદ સમગ્ર વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવી દેવામાં આવી છે અને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.
આ એક સપ્તાહમાં ખૈબર પખ્તૂનખ્વામાં થયેલો બીજો આત્મઘાતી હુમલો છે. આ પહેલા મંગળવારે લક્કી મરવત જિલ્લાના નૌરંગ બજારમાં પણ વિસ્ફોટકો ભરેલા ઓટોરિક્ષામાં આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો હતો. તે હુમલામાં બે પોલીસકર્મી અને એક મહિલાસહિત અનેક લોકોનાં મોત થયા હતા. વિસ્ફોટ એટલો ભયાનક હતો કે આસપાસની દુકાનો અને વાહનો સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયા હતા.
આ પહેલાં ફેબ્રુઆરી મહિનામાં પણ ખૈબર પખ્તૂનખ્વા વિસ્તારમાં થયેલા એક આતંકી હુમલામાં પાંચ પોલીસકર્મી અને બે નાગરિકોના મોત થયા હતા. સતત વધી રહેલી આતંકી ઘટનાઓને કારણે પાકિસ્તાનની સુરક્ષા વ્યવસ્થાને લઈને ફરી પ્રશ્નો ઉભા થયા છે.